લિંગ - એ પણ લાગણીઓનું !?

યુટ્યુબ ઉપર એવા વિડિયો તમે જોયા જ હશે કે જેમાં આપણા દેશના સૌથી શક્તિશાળી અને વિશ્વમાં જેના નામનો ડંકો વાગે છે એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જાહેર મંચ પર પોતાની લાગણીઓને રડી ને પ્રદર્શિત કરતા જોયા જ હશે, તો વિચાર આવે કે આટલા મોટા શક્તિશાળી નેતા આટલી સરળ રીતે જાહેરમાં પોતાનું દુઃખ હળવું કરી શકતા હોય તો સામાન્ય પુરુષ કેમ નહિ ?

જેમ ગુલાબ ને સુગંધ સાથે સંબંધ હોય, કાંચિડાને એના રંગ સાથે સંબંધ હોય, શ્વાસનો જીવન સાથે સંબંધ હોય એમ મનુષ્ય તરીકે જન્મ લીધો એટલે લાગણીઓનો સંબંધ ઈશ્વરે પહેલેથી જ માનવ શરીરના એક એક છિદ્રની અંદર ભરી ભરી ને આપ્યો છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો સમાજ વ્યવસ્થા અનુસાર પુરુષનું કામ પોતાના પરિવારનું ભરણપોષણ કરવું અને પરિવારની સલામતીનું ધ્યાન રાખવું આ  બે જ મહત્વના કામો હતા. સ્ત્રીનું શરીર પહેલેથી જ થોડું નાજુક અને હૃદય-મન થોડું પોચું એ ઈશ્વરે આપેલી બક્ષીસ છે. વિકસતા સમયની સાથે સમાજના લોકોએ પુરુષ ને કડક, મજબૂત, હિંમતવાન, સાહસિક અને નિર્ભય હોય એવી છાપ ઊભી કરી. સમાજે સ્ત્રીની છાપ નાજુક, નમણી ,કોમળ અને દયા ને પાત્ર હોય એવી ઊભી કરી. નાની વાત હોય કે મોટી વાત હોય સ્ત્રીના સ્વભાવમાં પેઢી દર પેઢી એવી ઘરડ બેસતી ગઈ કે લાગણીઓને, આંસુઓને, પ્રેમ અભિવ્યક્તિ  ને કે કાળજી ને વિસ્તૃત રૂપે દર્શાવવાનો જાણે ઠેકો લઈ લીધો.

કોઈ પણ સ્ત્રી એ કોઈ દિવસ પોતાની બાજુ માં સૂતેલા પતિના ઓશિકાની કોર ભીની થઈ છે કે નહિ એ જોવાનો પ્રયત્ન કર્યો નથી. સામાન્ય રીતે એવું  સાંભળવા મળે “ફલાણા ભાઈ બહુ કડક, બહુ કઠણ, અતિ સાહસી ને ઓછું બોલનારા છે” પણ આપણે કોઈએ અતિ સાહસી અને કડક મિજાજ ની અંદર ડૂબકી મારી ને જોવાનો પ્રયત્ન કર્યો નથી કે એના અંતર પેટાળ માં કેટલું બધું લાગણીઓનું પુર ઉભરાઈ રહ્યું છે. કમનસીબી એ વાતની છે કે સમાજે ખોટી ઉપજાવેલી પુરુષ તરીકેની મજબૂતાઇની છાપ ચાહવા છતાં કોઈ પુરુષ એને મિટાવી અને અંતર લાગણીઓને પ્રદર્શિત કરી શકતો નથી.

મારી નજર સમક્ષ બહુ બધા એવા પુરુષોને પણ હું જોવું છું કે જે સવારના 7 થી રાતના 9 વાગે ઘરે આવે તો બાળકો, પરિવાર, પત્નીની ફરિયાદો, માં-બાપ ની તકલીફો સારા નરસા પ્રસંગો, પૈસાની પળોજણ આ બધા પ્રશ્નો મોઢું ફાડી ને એની રાહ જ જોતા હોય છે. ભૂલે ચૂકે એ પુરુષના મુખમાંથી એના દુઃખ કે લાગણીઓનો એક શબ્દ પણ નીકળી જાય તો આ જ સમાજ, આસપાસ ના લોકો તેમજ પરિવારના લોકો પણ એ પુરુષોને નમાલો, કાયર, ડરપોક, રોતલ, બાયલો અને “પુરુષત્વ હીન” સાબિત કરવા તલપાપડ થઈ જાય છે. મારું અંગત પણે માનવું છે કે જો પુરુષોને પોતાની લાગણીઓને જાહેર કરવાનો અવકાશ આપણે આપીશું તો કદાચ નાની ઉંમરે વધતાં હાર્ટ એટેકનું પ્રમાણ પણ ઘટી જશે.

ડેઝર્ટ –  લાગણીઓની અંદર લિંગનો ભેદભાવ એ આપણી જ વરવી સ્ત્રીલક્ષી માનસિકતા અને સામાજિક દંભીપણાની નિશાની છે. જે  બહુ દુઃખદ છે.

“Open your mind. Open your heart. Open your doors.”

મોનાલી સુથાર,

જીંદગી એક નવી નજરે,

monalisuthar1210@gmail.com